બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

અહેવાલ વાંચનસપ્તાહ


અહેવાલ વાચનસપ્તાહ
            દિયોદર પ્રા. શાળા નંબર-૩માં તા-૧૮/૨/૨૦૧૩ થી તા-૨૩/૨/૨૦૧૩  દરમિયાન “વાચન સપ્તાહ”નું  આયોજન કરવામાં આવ્યું હતું.
-: તા-૧૮/૨/૨૦૧૩ પ્રથમ દિવસ :-
     તા- ૧૮/૨/૨૦૧૩નાં રોજ પ્રાર્થના સભા માં ધોરણ- ૬ થી ૮નાં  વિદ્યાર્થીઓની મુખવાચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ આગળના દિવસે વર્ગમાં મુખવાંચન કરાવી દરેક વર્ગમાંથી બે-બે શ્રેષ્ઠ બાળકો પસંદ કરી પ્રાર્થના સભામાં મુખ વાચન કરવામાં આવ્યું હતું.
                                 





      મુખવાચન સ્પર્ધામાં આરોહ-અવરોહ યુક્ત વાચન, દીર્ધ-હસ્વ માત્રાનો ઉચ્ચાર, મુળાક્ષરોનું ઉચ્ચારણ- જોડાક્ષરોનુ ઉચ્ચારણ, સ્પષ્ટ ઉચ્ચારણ, વિરામ ચિહ્નોને ધ્યાનમાં રાખીને વાચન કરવું વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી મુખ વાચન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સ્પર્ધાનું મૂલ્યાંકન શાળાના શિક્ષકો શ્રી રાણાભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ રબારી તથા શ્રી ડાહ્યાભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને અંતે બે નંબરો આપવામાં આવ્યા હતા.        (૧) ચૌધરી સૌરવકુમાર અશોકભાઈ (૧) ગોહિલ કનકસિંહ રણજીતસિંહ તથા (૨) ગૌસ્વામી નીધિબેન દીનેશગીરી આવ્યા હતા.
           ત્યાર બાદ સાંજે ૪ વાગ્યા પછી દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા શ્રી બળવંતભાઈ ડોડીયા સાહેબ તેમજ પથુજીની મુલાકાત કરી તેમને વિવિધ પ્રશ્નો પૂછી બાળકોએ સુંદર માર્ગદર્શન મેળવ્યું હતું. શ્રી બળવંતભાઈ નો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ જોઈ બાળકો આશ્ચર્ય ચકીત થઇ ગયા હતા. આ સમગ્ર આયોજન ધો ૬ થી ૮ માં ભણાવતા ભાષા શિક્ષક શ્રી ચેતનભાઈ પ્રજાપતિએ કર્યું હતું.



-: તા-૧૯/૨/૨૦૧૩ :-
     વાચન સપ્તાહના બીજા દિવસે “વર્તમાન પત્ર” વાચન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાના લગભગ તમામ બાળકોએ પહેલા વર્ગમાં ત્યારબાદ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. વર્તમાનપત્રો વાચનમાં શબ્દોની સમજ – સ્પષ્ટ ઉચ્ચારણ, અને વિષય સાથે અનુબંધ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને શાળાના શ્રી રાણાભાઈ પટેલ, શ્રી ડાહ્યાભાઈ જોષી, તથા શ્રી સોમાભાઈ માળીએ મુલ્યાંકન કર્યું હતું.
   સ્પર્ધા ને અંતે પ્રથમ નંબરે કુ. અલકાબેન ચમનભાઈ જયારે બીજા નંબરે ત્રણ બાળકો (૧) ચૌધરી જાહન્વીબેન ડી. (૨) દવે પુજાબેન બી. (૩) ઠાકોર રામુભાઈ આર. રહ્યા હતા. ત્યારબાદ શાળાના પુસ્તકાલયના પુસ્તકોનું અલગ-અલગ વિષયક્ષેત્રો આધારિત વર્ગીકરણ કરાવવામાં આવ્યું હતું. ધોરણ ૬ થી ૮નાં બાળકોએ બાળવાર્તા, મુલ્ય/ચરિત્ર વર્ધક પુસ્તકો, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત, સ્વાતંત્ર ચળવળ, આપણા રાષ્ટ્રીય નેતાઓ, જ્ઞાનકોશ અને શબ્દકોશ, સામાન્ય જ્ઞાન, શિક્ષકો માટેનું ઉપયોગી સાહિત્ય, કન્યાઓ સબંધી ઉપયોગી પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહ પૂર્વક શાળા પુસ્તકાલય આધારિત પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો.


-: તા-૨૦/૨/૨૦૧૩ :-
        આજરોજ ધોરણ ૪ અને ધો -૫નાં બાળકોની મુખવાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા પોત પોતાના ધોરણની સ્પર્ધા કર્યા પછી પ્રાથના સભામાં સુંદર આરોહ-અવરોહ યુક્ત વાંચન બાળકોને શિક્ષકો દ્વારા મુલ્યાંકન કરી બે નંબરો આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે ચૌધરી દિપકકુમાર અને બીજા નંબરે શેખ સોહિલ આવ્યા હતા.

              






      આજ દિવસે દિયોદર તા.ના.શ.મંડલી સંચાલિત જીવનપ્રકાશ પુસ્તકાલયની મુલાકાત ધો- ૬ થી ધો-૮ના બાળકો તથા સાથે શાળાના શિક્ષકો શ્રી ચેતનભાઈ તથા શ્રી ડાહ્યાભાઈ માળીએ લીધી હતી. જ્યાં બાળકોએ પુસ્તકોનું લગભગ બે કલાક સુધી વાંચન કરેલ.  અને  વધુ પુસ્તકો વાંચવાનો નિર્ણય કરેલ.
-:તા-૨૧/૨/૨૦૧૩ :-
      આજરોજ શાળાના ધોરણ ૨ અને ધોરણ-૩નાં બાળકોની મુખવાંચન  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૩ અને ધોરણ-૪ના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.નાના બાળકો હોવા છતાં પણ માતૃભાષાનું સુંદર વાંચન કર્યું હતું. નાના બાળકોને છતથી વાચતા જોઈ ઉપસ્થિત શિક્ષક મિત્રોમાં આનંદની અનુભૂતિ થઇ હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ધો-૨ની ત્રિવેદી ઋત્વા સુરેશકુમાર તથા બીજા નંબરે- ધો૩નો દીયોદરા આશિષ દાનાભાઈ આવ્યો હતો.
     ત્યાર બાદ સાંજે ૪ કલાકે શાળાના ધો-૬ થી ૮નાં  બાળકો દ્વારા વર્તમાનપત્ર અને વિવિધ પત્રિકાઓ તથા બ્રોસર આધારિત પ્રોજેક્ટ વર્ક કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ચેતનકુમાર પ્રજાપતિએ જરૂરી માર્ગદર્શન આપી કાર્ય પૂર્ણ કરાવ્યું હતું.
-:તા- ૨૨/૨/૨૦૧૩:-
         આજરોજ વાચન સપ્તાહ અંતર્ગત ધો-૬ થી ધો-૮ ના વિદ્યાર્થીઓનું વર્ષ દરમ્યાન પુસ્તક ઇસ્યુ રજીસ્ટરમાં નોંધાયેલ માહિતીના આધારે સૌથી વધુ પુસ્તકો વાચનાર બે બાળકોની પસંદગી કરવામાં આવી હતી.
      આ ઉપરાંત સાજે ૩ થી ૫   વાગ્યા સુધી ધોરણ- ૬ થી ધો-૮ નાં બાળકોને ધોરણ- ૧ થી ૫ નાં બાળકોને વાચન કરાવવામાં આવ્યું હતું. તેમજ દરેક બલકે પોતાની બાજુમાં રહેતા બાળકોને નિયમિત વાચન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.



-: તા-૨૩/૨/૨૦૧૩ :-
  તા-૨૩/૨/૧૦૧૩ના રોજ વાચન-સપ્તાહના છેલ્લા દિવસે બાલસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  એસ.એમ.સી.ના સભ્યો ઉપરાંત વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
   આખા સપ્તાહમાં થયેલ કાર્યની રૂપરેખા આપવામાં આવી હતી તથા પ્રોજેક્ટોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. એસ.એમ.સીના સભ્યો તે નિહાળી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈએ બાળકોને વાચનની ભુખ વધારવા તથા નિયમિત વાચન કરવા અનુરોધ કર્યો હતો તેમજ શાળામાં પુસ્તકાલય બનાવવાની દરખાસ્ત મૂકી હતી જે ઉપસ્થિત સૌ લોકોએ આવકારેલ.
   
         ત્યાર બાદ સપ્તાહ દરમિયાન થયેલ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી ડાહ્યાભાઈ માળીએ અભાર વિધી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રાણાભાઈ પટેલે કર્યું હતું.
                                                     શુભમ્ અસ્તુ

1 ટિપ્પણી:

  1. મુકેશભાઈ તમારો બ્લોગ જોયો ખુબ સરસ લાગ્યો તમારી શાળા ની પ્રવૃત્તિઓ ,વિવિધ કાર્યક્રમ ના ફોટા પણ જોયા....ચૌહાણ ભરતસિંહ પાલડી પે.કેન્દ્ર શાળા મારો બ્લોગ www.bcchauhan.blogspot.com મુલાકાત જરૂર થી લેશો..

    જવાબ આપોકાઢી નાખો